વચનામૃત ગઢડા મધ્યનું - ૫૨

           સંવત ૧૮૮૦ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ફૂલનો તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

          અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો જે, આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય ને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહિ, માટે તેની વિક્તિ કહીએ છીએ જે, જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ઘોડા, ગાય, ભેંસ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરાં ભારે ભારે વસ્ત્ર-આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી-મૂછ મૂંડાવી નખાવવી, ભગવાં વસ્ત્ર રાખવાં, અને કોઈ ગાળ્યું દે, ને કોઈ ધૂળ નાખે, તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નીસર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું જે હું કિયા આશ્રમમાં રહ્યો છું. એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જાવું નહીં. (૧) અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે. (૨) અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા-ચાકરી કરે તે અમને ગમે અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહિ ને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહિ અને પૂજા લાવે તો પૂજા ગમે નહિ અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશે ગમે અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતા હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશે ગમે છે. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૨।। (૧૮૫)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ગૃહસ્થની શોભા ત્યાગીને દોષરૂપ કહી છે ને ત્યાગીની શોભા ગૃહસ્થને દોષરૂપ કહી છે. (૧) અને હિતની વાત વઢીને કહે ત્યારે સમજુ ગુણ લે ને મૂર્ખ મૂંઝાય. (૨) અને શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત અમારી ભક્તિ કરવી એમ કહ્યું છે. (૩) બાબતો છે.

       પ્ર. પહેલી બાબતમાં મૂર્ખની પેઠે વિચાર કર્યા વિના કોઈ ચાળે ચડી જાવું નહિ એમ કહ્યું તે કેવી રીતે વર્તે તો ચાળે ન ચડ્યા કહેવાય ? અને કેવી રીતે વર્તે તો ચાળે ચડ્યા કહેવાય ?

       ઉ. શ્રીજીમહારાજે ત્યાગીને વનમાં એટલે સ્ત્રીઓના પ્રવેશે રહિત સ્થળ તે વન કહેવાય માટે તેવાં મંદિરોમાં રહેવાની આજ્ઞા કરી છે. તેમાં રહેવું તે વન જાણવું. ને ધર્મામૃતમાં કહ્યાં જે અગિયાર વસ્ત્ર તેથી વિશેષ ન રાખવાં તે વસ્ત્ર વિના રહ્યા સમજવું. અને કૌપીન હંમેશાં પહેરવી તે કૌપીનભર રહ્યા સમજવું. ને ટોપી ઘાલવી ને દાઢીમૂછ ન રાખવાં ને અગિયારમાં એકે વસ્ત્ર ધોળું ન રાખવું ને માન-અપમાન સહન કરવું, આ પ્રમાણે વર્તે તો ચાળે ચડ્યા ન કહેવાય. અને એમાં ફેર પડે તો ચાળે ચડ્યા જાણવું, અને ત્યાગી દ્રવ્ય રાખે, રખાવે કે પોતા થકી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખી હોય તે મૂર્તિને જરિયાની વસ્ત્ર કે સાચાં-ખોટાં ઘરેણાં રાખે તો અધિક ચાળે ચડ્યા જાણવું.

       પ્ર. હાલમાં નોટો ચાલે છે તેને સાધુ-બ્રહ્મચારીથી અડાય કે નહીં ?

૨      ઉ. જેવા પૈસા છે તેવી જ નોટ છે, માટે પૈસાને જેમ ન અડાય તેમ નોટને પણ ન અડાય ને રખાય-રખાવાય પણ નહીં. ।।૫૨।।